આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૦
March 08, 2020 | 2 min readમહિલા દિવસ ની ઉજવણી વર્ષો થી થતી આવી છે વિશ્વ માં. પણ પરિસ્થિતિ માં કંઇ ખાસ સુધાર નથી. પુરુષ સમોવડી બનવાની હુંસાતુંસી છે પણ વ્યક્તિગત કે અંગત આવડત ઉપર વિશ્વાસ મૂકી ને આગળ વધવાની ધગશ નથી. ભૂતકાળ માં જ્યારે અંધશ્રદ્ધા અને શિક્ષણ ના અભાવ હેથળ જીવતા સમાજ એ સ્ત્રી ને જે સ્થાન આપ્યું એમાં પરસ્પર સમજ અને સંવેદના ની મર્યાદા હતી. સ્વેચ્છા એ ઘણી વાર સ્ત્રી દબાઈ ને રહી હશે તો રહી હશે. પણ હવે તો જાગૃકતા આવવી જોઈએ. આર્થિક ક્ષેત્ર માં જ આગળ વધતી સ્ત્રીઓ જ સશક્ત નથી. એ જ માત્ર માપદંડ ન હોય શકે. આજના સતત બદલાતા સામાજિક પ્રવાહ અને રસાકસી માં સમયમાં પરિવાર ને ઘર માં હૂંફ, શાંતિ, સાંત્વના મળે એની કપરી જવાબદારી પણ તેણે ઉઠાવવાની છે. વાત્સલ્ય અને પ્રેમ ની જે અમુલ્ય ભેટ એક સ્ત્રી ને કુદરતી રીતે મળી છે તેને જાણવાની છે અને તેના દ્વારા હકારાત્મક રીતે સત્તાધીશ બનવાનું છે. આ એક એવી શક્તિ છે જે માત્ર અને માત્ર સ્ત્રી પાસે જ છે. અને કદાચ એટલે હક અને જવાબદારીઓ ના સંઘર્ષ માં કાયમ જવાબદારી ની પસંદગી સ્ત્રી જ કરતી આવી છે. પણ એ વહેણ બદલી શકવાની ક્ષમતા તેનામાં છે. જાગૃત થવાનું છે.
મહિલા સશક્તિકરણ કોણે કરવાનું છે? સમાજ કરે એની રાહ જોવાની? સ્ત્રી જાતે એ દિશા માં આગળ વધી ન શકે? પુરુષ ને હરીફ તરીકે નહિ પણ મિત્ર તરીકે ગણી એની સાથે કદમ થી કદમ ન મિલાવી શકે? આવી પરવશતા ક્યાંથી આવી? હરિફાઈ ક્યાંથી આવી? ઇતિહાસ નો ઊંડાણ પૂર્વક અભ્યાસ કરીએ તો સ્પષ્ટ રીતે જોઈ શકાય કે ઇતિહાસ ને બદલી નાખવાની ઘટના ઓ માં કર્તા પુરુષ હશે પણ પૃષ્ઠભૂમિ માં કાયમ સ્ત્રી એ ક્યારેક માતા, ક્યારેક પત્ની ક્યારેક બહેન કે મિત્ર બની ને દોરી સંચાર કર્યો છે. માંહ્યલા ને જગાડવાનું કામ સ્ત્રી જેટલી સહજતાથી પુરુષ ક્યારેય કરી શકે નહિ. તો પછી હવે સમાજ જેને સ્વ ઘોષિત સ્ત્રી સશક્તિકરણ કહે છે એ માયા જાળ માં કેવી રીતે ફસાઈ જવાયું?
કોઈ પણ ક્ષેત્ર માં સફળતા મેળવેલ સ્ત્રી ક્યારેય પણ સમાજ ની મદદ ની મોહતાજ રહી નથી. કે નથી એણે કોઈ પુરુષ ને બતાવી દેવા એમાં ઝંપલાવ્યું. એ તો પોતાની આવડત અને આત્મવિશ્વાસ ના જોરે કૂદી પડે છે અને સફળતા ના શિખરો સર કરી લે છે. કુદરતે અખૂટ શ્રદ્ધા અને શક્તિ નો ભંડાર આપ્યો છે. એનો ઉપયોગ કરી ને કોઈ પણ ક્ષેત્ર માં સ્ત્રી એ મોખરાનું સ્થાન મેળવ્યું છે. મીરાબાઈ હોય કે લક્ષ્મી બાઈ હોય, યુદ્ધ હોય કે ભક્તિ હોય , સંકલ્પ અને શ્રદ્ધા ના બળ પર સ્ત્રી એ જોઈતું હાંસિલ કર્યું છે.
અગાઉ કેટલાક કામ માં શારીરિક શ્રમ નું મહત્વ વધારે હતું એટલે કુદરતી રીતે પુરુષો ને કદાચ વધારે પ્રાધાન્ય મળ્યું હશે. પણ હવે વિજ્ઞાન માં વિકાસ અને ટેકનોલોજી ના સથવારે આવડત અને ક્ષમતા મુજબ નું કોઈ પણ કામ સ્ત્રી સરળતાથી અને સહજતાથી કરી જ શકે છે. શિક્ષણ, સાહિત્ય, કોમ્પુટર, અર્થશાસ્ત્ર, સંગીત કે વિજ્ઞાન ક્ષેત્રે સ્ત્રી હવે પુરુષ સમોવડી જ છે. આર્થિક વહીવટ ઉપરાંત પારિવારિક બાબતોમાં માં જે કુનેહ અને ધીરજ થી કામ લેવાનું હોય એમાં સ્ત્રી સદાય અગ્રેસર રહી જ છે. સ્ત્રી માં રહેલી આ કુદરતી શક્તિ અને એના સાહજિક અમલ થી ઝંખવાયેલા સમાજે લઘુતાગ્રંથિ અને આવેશ માં પોતાનો અહમ ટકાવી રાખવા પુરુષ ને કદાચ સ્ત્રી થી ઉપર ગણવાની ભૂલ કરી હશે. એટલે જ સ્ત્રી દાક્ષિન્ય , મહિલા જાગૃતિ કે સશક્તિકરણ જેવી ચળવળો માં સ્ત્રી ને સતત વ્યસ્ત રાખી તેની ક્ષમતા નો વ્યય કર્યો છે.
આંખે પાટા બાંધીને સપના દેખાડવાની વાત કરતા સમાજ ને સચોટ રીતે આવડે છે.
આત્મમંથન અને તેના દ્વારા આત્મ ઉન્નતિ નો સંકલ્પ એ જ સાચો વિકલ્પ છે. ફેમીનીઝમ જેવા ચળકતા, ઝગારા મારતા સામાજિક પ્રવાહ માં વહી નથી જાવાનું. ઉલટું તેમાં સામાં પ્રવાહમાં તરવાનું છે અને જાગૃતિના આરે પહોંચવાનું છે. લોભામણા અને અહમ સંતોષ પામે એવા સામાજિક દુષણો થી દુર પ્રેમ, કરુણા અને વાત્સલ્ય ના જોરે સશક્ત થવાનું છે.