inward locus

કેમ ઉપનિષદ

May 27, 2020 | 1 min read

કોણે અને ક્યારે લીધી
મારા હોવાની પરવાનગી
મને તો અહીં મોકલ્યો
મારી જાણ બહાર
હું તો અહીં છું
મારી જાણ બહાર

કોણે અને કેમ દોરી નાખ્યો
ભાગ્યરેખા થી નકશો
ચીતરી નાખી ચોપડી મારી
વિધિના વિધાન થી
હું તો અલગારી
આ રઝળપાટ માં
દોરવાતો ગયો
અગમ અનુસંધાન થી
આ દોરવણીનો દોરો
તાણી દીધો
મારી જાણ બહાર
તુટ્યો એકાએક
અને અંજામ આણી દીધો
મારી જાણ બહાર

કોણ છે એ
જે મારી પાસે
બધું કરાવડાવે છે
અને પાછું જગતમાં
લોકમુખે મને
મનસ્વી કહેવડાવે છે
આ સંતાપ થી ઉગરવા
કોણ ભક્તિ કરાવડાવે છે
અને પશ્ચાતાપ પરિણમતા
લોકમુખે મને
તપસ્વી કહેવડાવે છે

તું કરાવે હું કરી લઉં
તું આપે તું જ લઈ લે
મારું ક્યાં કાંઈ છે
કે હું ભરી લઉં

તો પણ
પાપ પુણ્ય નો પોટલો ભરતો ગયો
મારી જાણ બહાર
કોણ છે જે આપતો ગયો બેહિસાબ
મારી જાણ બહાર
ન કંઇ ઝાઝું મેળવ્યું
ન કઈં કીમતી ગુમાવ્યું
તોય આપવો પડશે હિસાબ
એ બીક થી હું
કાયમ પશ્ચાતાપ કરતો ગયો
મારી જાણ બહાર


The best way to contact me is to write me a letter to my e-mail address : inwardlocus@gmail.com

©2020, Inward Locus