inward locus

તમે અને હું

May 11, 2020 | 1 min read

(તમે)
આમ ન કરાય
તેમ ન કરાય
(હું)
હશે! અજાણ હશે!

(તમે)
આમ તે કેમ થાય
તેમ તે વળી કેમ થાય
(હું)
હશે! કૌતુક હશે!

(તમે)
આ તો આમ જ હોય
તે તો તેમ જ હોય
(હું)
હશે! જીદ હશે!

નથી! મને કોઈ શંકા
નથી! મને કોઈ ચિંતા
નથી! ખોટો કોઈ આગ્રહ

વિવાદ ને બદલે સંવાદ હોય તો કેવું?
નિશ્ચિતતા માં ક્યારેક અપવાદ હોય તો કેવું?
લાડ પણ ક્યારેક લવાદ હોય તો કેવું?

હોય સામે તો પણ અંતર કેમ લાગે?
જાણે અરીસો પ્રતિબિંબ જડી નાખે
જોવા મથું હું જાત ને
અને જડતા નો કાયમ વહેમ લાગે

કોઈ તો સમજે
કંઇક તો સમજે
કોઈ તો રસ જગાડે
સાંભળે શું કહેવું છે
સમજે શું કરવું છે
નાહક ના દૂર થી કેમ ભગાડે?

શું ફેર પડે?
એક રંગ વધુ ભળી જવાથી?
શું ફેર પડે?
એક પગથિયું વધુ ચડી જવાથી?
શું ફેર પડે?
એક નવા વળાંક પર વળી જવાથી?

આટલું અંતર તો સાથે કાપ્યું છે.
ચાલી જશે.
ભાથું બાંધી ને તો આપ્યું છે.
ચાલી જશે.

હું ઓળખીતો હોઉં
એ પૂરતું નથી?
મારે કામ પણ
ઓળખીતા જ કરવા પડે?
તમે ખોદેલા, ખાલી કરેલા
મારેય પણ હજી ઊંડા કરવા પડે?

એકાદ પાવડો હું બાજુ માં મારું તોય શું?
જૂની રમતમાં તો કાયમ જીતવું
એકાદ નવી રમત માં હારું તોય શું?


The best way to contact me is to write me a letter to my e-mail address : inwardlocus@gmail.com

©2020, Inward Locus